મહાલક્ષ્મી એક્સપ્રેસ : ફસાઈ પાણીમાં બહાર પાણી,અંદર સાપ આ રીતે કાઢીયા પ્રવાસીઓ એ 10 કલાક

Spread the love

– કોલ્હાપુર જતી ટ્રેન કલ્યાણ નજીક બદલાપુર પાસે મધરાતથી અટવાયેલી હતી: નેવી અને એરફોર્સ, NDRFની દિલધડક કામગીરી
– આખી રાત મુસાફરો અટવાયેલા રહ્યા છતાં રેલવે તંત્ર મદદ માટે મોડું જાગ્યું: સ્થાનિક લોકોએ મદદ કરી માનવતાની મિસાલ પૂરી પડી

મુંબઈને ધમરોળતા મેઘતાંડવ વચ્ચે ગઈ રાત્રે કોલ્હાપુર જવા રવાના થયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન વાંગણી- બદલાપુર સ્ટેશન વચ્ચે પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. આ ટ્રેનના ૧૦૫૦ મુસાફરોને હેમખેમ ઉગારવા માટે નેવી, એરફોર્સ અને એસડીઆરએફની ટુકડીઓ કામે લાગી ગઈ હતી. બે હેલિકોપ્ટરો અને અનેક રબ્બરની બોટ પાણીમાં ઉતારવામાં આવી હતી. આમ મધ્ય રેલવે તંત્રની બેદરકારીને લીધે બાર બાર કલાકથી અટવાયેલા મુસાફરોનો છૂટકારો થતા તેમણે હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લા બે દિવસમાં મુશળધાર વરસાદને કારણે મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ, કલ્યાણમાં પણ ઉલ્હાસનદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. આ મુશળધાર વરસાદે મુંબઈગરાને ૨૬ જુલાઈ ૨૦૦૫ની યાદ અપાવી દીધી હતી.

અંબરનાથમાં આવેલી ઉલ્હાસ નદીમાં મુશળધાર વરસાદને કારણે પૂર આવતા પાણી રેલવે ટ્રેક પર આવી ગયા હતા. ગઈકાલે રાત્રે સીએસએમટી સ્ટેશનથી કોલ્હાપુર જવા નિકળેલી મહાલક્ષ્મી એક્સપ્રેસને પણ વરસાદી વિઘ્ન નડતા તે કલ્યાણથી આગળ વાંગણી પાસે ખોટકાઈ હતી અને ત્યારે વરસાદને કારણે તેમાં ૧૦૫૦ પ્રવાસીઓ ફસાયા હતા.

રાત્રે ૮.૨૩ વાગ્યે કોલ્હાપુર જવા ઉપડેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ રાત્રે ૯.૩૭ વાગ્યે કલ્યાણ સ્ટેશને પહોંચી હતી. કલ્યાણથી આગળના રેલવે ટ્રેક પર ઉલ્હાસ નદીના પાણી હોવાથી ટ્રેન અટકી અટકીને ધીમી ગતિએ આગળ વધી હતી. રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ ટ્રેન વાંગણી સ્ટેશન પાસે સાવ અટકી ગઈ હતી. બહાર મુશળધાર વરસાદની સાથે જ પાણી રેલવેના ટ્રેક પર ઊંચેને ઊંચે ચઢી રહ્યા હતા.

આ પરિસ્થિતિમાં પ્રવાસીઓએ ૧૦૧ ક્રમાંક પર ફોન કરતા તેમને રેલવે અમારા કાર્યક્ષેત્રમાં ન હોવાથી અમે તમારી મદદ કરી શકીશું નહીં એવો પ્રત્યુત્તર મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ માંગતા અમે તેમાં કાંઈ જ કરી શકીએ એમ નથી એવો માનવતા વિહિન પ્રત્યુત્તર મળ્યો હતો. રેલવે પ્રશાસનની ઘોર બેદરકારીથી બાળકો, વયોવૃધ્ધો તેમજ ગર્ભવતી મહિલાઓ સહિત ૧૦૫૦ પ્રવાસીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી.

વહેલી સવારે સોશિયલ મિડિયા પરથી આ ઘટનાની જાણ થતા આજુબાજુના ગામવાસીઓ ૨ વાગ્યાના સુમારે પ્રવાસીઓની મદદ માટે પહોંચ્યા હતા અને તેની થોડી જ વારમાં ૧૨ કલાક બાદ સફાળા જાગેલા રેલવે પ્રશાસને મોકલેલા આરપીએફના તેમજ એનડીઆરએફના જવાનો મદદ માટે પહોંચ્યા હતા.

આ પ્રકરણે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હસ્તક્ષેપ કરી તાબડતોબ પિડિતોને મદદ પહોંચાડવાના આદેશ આપ્યા હતા અને તેમને સૌપ્રથમ મદદ અપાશે એમ પણ સ્પષ્ટડ કર્યુ ંહતું. ત્યાર પછી એનડીઆરએફની ચાર ટૂકડી ઘટનાસ્થળે ૮ બોટ સાથે દાખલ થઈ હતી. તેની સાથે જ બચાવકાર્યમાં મદદ માટે નૌકાદળની સાત ટૂકડીઓ હવાઈ દળના બે હેલિકોપ્ટર્સ લશ્કરની બે ટૂકડીઓને સ્થાનિક પ્રશાસન સાથે ઘટનાસ્થળે પહોંચી બચાવકાર્ય આરંભ્યું હતું.

મહાલક્ષ્મી એક્સપ્રેસમાં વયોવૃધ્ધ અને બાળકો સાથે નવ ગર્ભવતી મહિલાઓ પણ હતી અને તેમાંની રેશમા તિલક કાંબળેને ૯ માસનો ગર્ભ હોવાથી પ્રસૂતિની વેદના શરૂ થઈ હતી. તેમની મદદ માટે ૩૭ ગાયનેકોલોજીસ્ટની ટીમ આવી હતી અને આવશ્યક સારવાર પૂરી પાડી હતી.

બચાવકાર્યની સાથે જ ભૂખ્યા તરસ્યા પ્રવાસીઓને પાણી તેમજ ચા અને નાસ્તાના પેકેટ અપાયા હતા. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ પ્રવાસીઓને તેમના ભયાનક અનુભવ જણાવ્યા હતા. તેમાંના એક આશા કાંબળે નામના પ્રવાસીના કોચમાં સાપ આવી ગયો હતો અને તેને કારણે કોચના લોકોમાં ભારે ગભરાય ફેલાયો હતો. તેમણે વિડિયો કાઢીને ટ્વિટર પર મૂક્યા હતા તેમ છતાં ૧૨ કલાક સુધી તેમના સુધી કોઈ જ મદદ પહોંચી નહોતી.

સાંજે ચાર વાગ્યે આ બધા જ પ્રવાસીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા અને ત્યારબાદ તેમને ૧૪ બસ અને ત્રણ ટેમ્પોની મદદથી બદલાપુર સ્ટેશને પહોંચાડાયા હતા. જ્યાં ટીસી અને સ્ટેશન માસ્ટરે તેમને ભોજન આપ્યું હતું. પિડિતોને કોલ્હાપુર પહોંચાડવા માટે રેલવેએ સાંજે કલ્યાણથી કોલ્હાપુર સુધીની ૧૯ ડબ્બાની વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. પ્રવાસીઓ માટે દોડાવેલી વિશેષ લોકલમાં તેમને બદલાપુરથી કલ્યાણ લવાયા હતા અને ત્યાંથી વિશેષ ટ્રેનમાં કોલ્હાપુર મોકલવામાં આવ્યા હતા.

મુશળધાર વરસાદમાં અટકી હોવા છતાં ટ્રેનને આટલી આગળ સુધી શા માટે જવા દીધી તે અહેવાલ સોમવારે અધિકારીઓ પાસેથી લઈ આ પ્રકરણે તપાસ કરાશે એમ રાજ્યના રેલવે પ્રધાન સુરેશ બંગડીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *