જાણો હવે આ હોટેલ માં બિલ ચૂકવવા પૈસા નહીં, પણ આપવું પડશે નકામું પ્લાસ્ટિક.

Spread the love

પ્લાસ્ટિકે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડ્યુ છે તે જાણવા માટે કોઈ સંશોધન કરવાની જરૂર નથી. દરરોજ આપણા દેશમાં હજારો કિલો પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય છે. તેનો નિકાલ કરવો એક મોટી સમસ્યા બની ગયો છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે કચરો વીણનાર આ કચરાને વેચીને પૈસા કમાય છે. આમ છતાંય તેમને બે ટાઈમ પૂરતુ ખાવ નથી મળતુ. હવે આવા બેઘર કે ઓછી કમાણી કરતા લોકોને વ્યવસ્થિત જમવાનુ મળી રહે તે માટે છત્તીસગઢમાં દેશનું પહેલુ ગાર્બેજ કાફે ખૂલ્યું છે. આ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન ગરીબ અને બેઘર લોકોને પ્લાસ્ટિકના કચરાના બદલામાં ભોજન આપશે.

1 કિલો પ્લાસ્ટિકનો કચરો લાવનારને ફૂલ જમવાનું મળશે. 500 ગ્રામ કચરો લાવનારને નાસ્તો મળશે. ઈન્દોર પછી દેશના સૌથી સ્વચ્છ શહેરમાં બીજો ક્રમ મેળવનાર અંબિકાપુર આ પ્લાસ્ટિકનો ઉપયોગ રસ્તા બનાવવામાં કરવા માંગે છે. આ કેફે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ઉપર શરૂ કરવામાં આવશે. મેયર અજય તિરકેએ સોમવારે શહેરનું બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી.

બજેટમાં ગાર્બેજ કાફે સ્કીમ માટે 5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમાં પ્લાસ્ટિકનો કચરો વીણતા લોકોને આશ્રય આપવાનું પણ આયોજન છે. અંબિકાપુરે પ્લાસ્ટિક અને ડામરને મિક્સ કરીને રસ્તો પણ બનાવ્યો છે. શહેરનો આ રસ્તો 8 લાખ પ્લાસ્ટિક બેગમાંથી બનાવાયો હતો. ડામરમાં પ્લાસ્ટિક ઉમેરવામાં આવે ત્યારે તેનું આયુષ્ય વધી જાય છે કારણ કે પાણીને કારણે રસ્તા ધોવાતા અટકે છે.

પ્લાસ્ટિકનો કચરો વીણવાની સ્કીમને સ્વચ્છતા અભિયાન સાથે પણ જોડી દેવાઈ છે. શહેરમાં પ્લાસ્ટિકની થેલીના વપરાશ પર પણ નિયંત્રણ લાદી દેવાયું છે. કોર્પોરેશન આ સ્કીમ લાગુ પાડવા પ્રતિબદ્ધ છે. ગયા વર્ષે અંબિકાપુરનો સ્વચ્છતામાં 40મો ક્રમ હતો. આ શહેરે એક જ વર્ષમાં એટલો સુધારો લાવી દીધો કે તેનો ક્રમ બીજો થઈ ગયો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં છત્તીસગઢના આ શહેર પાસેથી બીજા કોર્પોરેશન શીખ મેળવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *