શાળામાં લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલી ફાયર સિસ્ટમ કોના ભરોસે?

Spread the love

આ તો ઠીક પરંતુ ગરીબ પરિવારમાંથી આવતા આ નિર્દોષ ભૂલકાંઓનું જીવન સત્તાવાળાઓની બેદરકારીને પગલે જોખમમાં મુકાયું છે. કેમ કે, જે તે શાળામાં લગાવાયેેલાં ફાયર સેફટીનાં સાધનો તેની કાર્યરત ક્ષમતામાં છે કે કેમ તે જાણવાની તસદી સત્તાધીશોએ લીધી ન હોય સમગ્ર ફાયર સેફટી સિસ્ટમ અદ્ધરતાલ હોઇ આ બાબત વિવાદાસ્પદ બની છે. કોર્પોરેશન સંચાલિત મ્યુનિ. શાળામાં વિદ્યાર્થીઓની ડ્રોપઆઉટ સંખ્યા વધતી જાય છે.

જેના કારણે સત્તાવાળાઓએ વધુ ને વધુ અંગ્રેજી માધ્યમની શાળા ખોલવા પર ભાર મૂક્યો છે. જોકે તમામ શાળાઓને બપોર પાળી કરવા જેવા વાહિયાત નિર્ણયથી પણ ગરીબ પરિવારનાં બાળકો શાળાએ આવતાં બંધ થયા હતા. હવે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના કર્તાધર્તાઓની બેદરકારીનો વધુ એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.

સ્કૂલબોર્ડની ર૩૪ બિલ્ડિંગમાં ધમધમતી ૩૮૪ શાળામાં અભ્યાસ કરતા ૧.રપ લાખથી વધુ બાળકોનું જીવન જોખમાય એવી હાલતમાં છે. કેમ કે ચાર વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા ફાયર સેફટી સિસ્ટમના સાધનો લગાવાયાં હતાં. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ઝોનની રર શાળા બિલ્ડિંગમાં કુલ ર૬૦ ફાયર એ‌ક્સટિંગ્વિશર, પશ્ચિમ ઝોનની ૩૧ શાળા બિલ્ડિંગમાં ૧૭પ ફાયર એ‌ક્સટિંગ્વિશર, મધ્ય ઝોનની ૬૯ શાળા બિલ્ડિંગમાં ૩૭૦ ફાયર એ‌ક્સટિંગ્વિશર, દક્ષિણ ઝોનની શાળા બિલ્ડિંગમાં ૧૯૯ ફાયર એ‌ક્સટિંગ્વિશર, પૂર્વ ઝોનની ૪પ શાળા બિલ્ડિંગમાં ૩૦૬ ફાયર એ‌ક્સટીંગ્વીશર મળીને કુલ ૧૯૮ શાળા બિલ્ડિંગમાં કુલ ૧૩૧૦ ફાયર એ‌ક્સટિંગ્વિશર લગાવાયાં હતાં.

મ્યુનિસિપલ શાળામાં ભણતા બાળકોનાં જાનમાલની સુરક્ષા માટે લાખો રૂપિયાના ખર્ચે ફાયર એ‌ક્સટિંગ્વિશર લગાવાયા બાદ પણ મ્યુનિ. સ્કૂલબોર્ડના સત્તાધીશોએ છેલ્લા ચાર વર્ષમાં તેને રિફીલ કરવાની કે બદલવાની કે તેનું ઇન્સ્પેકશન કરાવવાની તસદી લીધી નથી. છેલ્લે સુરતના સરથાણા જકાત નાકા પાસેના તક્ષશિલા આર્કેડમાં ગત તા.ર૪ મે-ર૦૧૯ લાગેલી ભીષણ આગમાં રર માસૂમ બાળકો જીવતાં ભુંજાયાં બાદ આ અગ્નિકાંડથી સમગ્ર રાજયમાં ચકચાર મચી ગઇ હતી.

 

જોકે આઘાતજનક બાબત એ છે કે, મ્યુ‌નિસિપલ સ્કૂલ બોર્ડના શાસકોએ આટલા અરેરાટીભર્યા બનાવ બાદ પણ પોતાની શાળામાં લગાવાયેલી ફાયર સેફટી સિસ્ટમની સક્ષમ સત્તા પાસે ચકાસણી કરાવવાની કાળજી રાખી ન હોય આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ટીકાસ્પદ બની છે.

દરમ્યાન ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા હાલમાં ટ્યૂશન કલાસીસની ફાયર સેફટીની ચકાસણી ચાલી રહી હોય કુલ ૩૩૦૩ અરજી પૈકી ર૮પપ અરજીની ચકાસણી કરાઇને ર૪રપ ટ્યુશન કલાસીસને એનઓસી અપાઇ છે. જ્યારે ર૭૩ કિસ્સામાં જે તે ટ્યૂશન કલાસીસના સંચાલકને સુધારા કરવાની સૂચના અપાઇ છે. આ સંજોગોમાં ફાયરબ્રિગેડ વિભાગ પાસે મ્યુનિ. શાળાઓની ફાયર સેફટીની ચકાસણી કરવાનો સમય જ નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *