એક બની ગજબ ઘટના ધો-12ની પરીક્ષામાં 959 વિદ્યાર્થીઓએ માસ કોપી કરી, બધાની ભૂલો પણ સરખી!

Spread the love

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓને તે જાણીને પરસેવો વળી ગયો કે આ વર્ષે લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 10 કે 20 નહીં 959 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક ચોરી કરી છે અને તે પણ સરખી ભૂલોની.

આ અત્યારસુધીના GSHSEBના ઈતિહાસની સામૂહિક ચોરી થવાની સૌથી મોટી ઘટના છે. માસ કોપી ન થાય તે માટે બોર્ડે કડક પગલા લીધા હોવા છતાં આવી ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીઓના પરિણામોને 2020 સુધી રોકી દેવાયા છે અને તેઓ તે જ વિષયમાં નપાસ થયા છે, જે વિષયમાં તેમણે ચોરી કરી હતી.

મળેલી અઢળક ફરિયાદો પર કાર્યવાહી કરતાં બોર્ડના અધિકારીઓએ તે પરીક્ષા કેન્દ્રની ઉત્તરવહીઓની બારીકતાથી ચકાસણી કરી જ્યાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. આ સેન્ટર જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના છે.

959 જેટલા વિદ્યાર્થીઓએ બધા સવાલના સરખા જવાબ લખ્યા હતા તે પણ સરખા ક્રમાંકમાં અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતી કહેવત ‘નક્કલમાં અક્કલ ન હોય’ તે રીતે ભૂલો પણ સરખી કરી હતી, તેમ GSHSEBના સૂત્રોએ જણાવ્યું.

આમાંથી એક સેન્ટરના 200 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષામાં ‘દીકરી ઘરની દીવડી’ નિબંધ લખ્યો હતો અને તે પણ શરૂઆતથી લઈને પૂરો થાય ત્યાં સુધી સરખો, શબ્દો પણ તેમાં સહેજ આઘા-પાછા નહીં, તેમ સૂત્રોએ જણાવ્યું.

વિદ્યાર્થીઓએ ગુજરાતી સિવાય અકાઉન્ટ, ઈકોનોમિક્સ (અર્થશાસ્ત્ર), ઈંગ્લિશ લિટરેચર અને સ્ટેટિસ્ટિક્સ (આંકડાશાસ્ત્ર)માં પણ માસ કોપી કરી હતી. ‘ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે અમરપુર (ગીર સોમનાથ), વિસણવેલ (જૂનાગઢ) અને પ્રાચી પીપળા (ગીર સોમનાથ)ના પરીક્ષા કેન્દ્રોને રદ કરવાની બોર્ડ તૈયારી કરી રહ્યું છે’ તેમ GSHSEBના અધિકારીઓએ જણાવ્યું. પરીક્ષા સુધારણા સમિતિ સામૂહિક ચોરી થઈ હોવાના દાવાઓની તપાસ પૂરી નહીં કરે ત્યાં સુધી 959 વિદ્યાર્થીઓના પરિણામો અટકાવવાનો બોર્ડે નિર્ણય લીધો છે.

સૌથી ચિંતાજનક વાત એ છે કે બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદના વિદ્યાર્થીઓએ જ્યાંથી સામૂહિક ચોરી નોંધાઈ હતી ત્યાંના સેન્ટરની સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં એક્સટર્નલ સ્ટૂડન્ટ તરીકે પ્રવેશ લીધો હતો.

‘ઘણા વિદ્યાર્થીઓએ સેલ્ફ-ફાઈનાન્સ શાળાઓમાં વાર્ષિક ફી તરીકે 35000 રૂપિયા ચૂકવ્યા હતા, જ્યાં તેમને ‘રેગ્યુલર’ વિદ્યાર્થીઓ તરીકે બતાવાયા હતા. વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેમણે માત્ર બે અઠવાડિયા માટે જ ક્લાસ અટેન્ડ કર્યા હતા’ તેમ સૂત્રોએ કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *