ડે. ગવર્નર પદેથી વિરલ આચાર્યએ આપીયું રાજીનામુ જાણો તેની પાછળ નું કારણ..

Spread the love

 

– સરકાર આરબીઆઇના કાર્યમાં દખલ કરતી હોવાની ટીકા કરનાર વધુ એક અધિકારીએ પદ છોડયું
– બજારમાં સાર્વત્રિક મંદી અને નિરાશાના માહોલ વચ્ચે સરકાર માટે વધુ એક વિવાદ

મંદીના વાતાવરણમાંથી બહાર લાવવાના સરકારના સઘન પ્રયાસો સફળ થશે?

ઉર્જિત પટેલે ગવર્નર, અરવિંદ સુબ્રમણ્યમે મુખ્ય આર્થિક સલાહકાર અને નીતિ આયોગના અધ્યક્ષ પદેથી પનગઢિયાએ પણ પદ છોડયું હતું

વર્તમાન ગવર્નર શક્તિકાંતા દાસ સાથે વિરલ આચાર્યને અનેક મુદ્દાઓ પર મતભેદ હતા

છ મહિના બાદ કાર્યકાળ પુરો થાય તે પહેલાં રાજીનામું આપનારા આચાર્ય ન્યૂયોર્ક યુનિ.માં પ્રોફેસરનું કામ સંભાળશે

સરકાર અને આરબીઆઇ વચ્ચેની તકરાર હજુ પણ જારી હોવાના અહેવાલો સામે આવ્યા છે. અગાઉ ઉર્જિત પટેલે આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપ્યું હતું ત્યારે હવે સરકારની ટીકા કરનારા અને આરબીઆઇની સ્વતંત્ર માટે અવાજ ઉઠાવનારા આરબીઆઇના ડે. ગવર્નર પદેથી વિરલ આચાર્યએ પણ રાજીનામુ આપી દીધુ છે. પોતાનો કાર્યકાળ પુરો થાય તે પહેલા જ વિરલ આચાર્યએ પોતાના પદેથી રાજીનામુ આપી દેતા અનેક અટકળોએ જોર પકડયું છે.

૪૫ વર્ષીય વિરલ આચાર્યના રાજીનામા સાથે જ આરબીઆઇને સાત જ મહિનામાં બીજો ઝટકો લાગ્યો છે સાથે હવે ફરી આરબીઆઇની સ્વતંત્રતાનો મામલો અને સરકાર વચ્ચેની તકરાર પણ ખુલીને સામે આવી રહી છે. વિરલ આચાર્યનો કાર્યકાળ આગામી છ મહિના બાદ પૂર્ણ થવા જઇ રહ્યો હતો.

તેઓ એ અધિકારીઓના સામેલ હતા કે જેને પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની ટીમનો ભાગ માનવામાં આવતા હતા. એવા અહેવાલો છે કે વિરલ આચાર્ય હવે ન્યૂયોર્ક યુનિવર્સિટીના સેટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે જોડાઇ શકે છે. તેઓ ૨૩મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ આરબીઆઇના ડે. ગવર્નર પદે જોડાયા હતા અને ત્રણ વર્ષ સુધી તેમનો કાર્યકાળ હતો.

એવા અહેવાલો પણ છે કે હાલના નવા ગવર્નર શક્તિકાંતા દાસ દ્વારા કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા કે જેનાથી વિરલ આચાર્ય સહમત નહોતા, ગત બે મોનિટરિંગ પોલિસીની બેઠકોમાં મોંઘવારી દર અને ગ્રોથ રેટના મુદ્દાઓ પર વિરલ આચાર્યના વિચારો અલગ હતા. આ ઉપરાંત રાજકોષીય ખાધને લઇને પણ વિરલ આચાર્ય ગવર્નર શક્તિકાંતા દાસથી સહમત નહોતા.

અગાઉ જ્યારે ઉર્જિત પટેલ ગવર્નર હતા ત્યારે વિરલ આચાર્યએ આરબીઆઇની સ્વતંત્રાની પણ વાત કરી હતી. મોદી સરકારના બન્ને કાર્યકાળમાં આ ચોથો મોટો ઝટકો છે, અગાઉ ઉર્જિત પટેલે આરબીઆઇના ગવર્નરનું પદ છોડયું, જ્યારે અરવિંદ સુબ્રમણ્યમે મુખ્ય આર્થિક સલાહકારનું પદ છોડયું, નીતિ આયોગના અધ્યક્ષ રહેલા અરવિંદ પનગઢિયાએ પણ પદ છોડયું હતું.

બીજી તરફ રાજીનામા બાદ આરબીઆઇએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે વિરલ આચાર્ય ૨૩મી જુલાઇથી વધુ સમય સુધી કામ કરી શકે તેમ નહોતા તેથી તેમણે રાજીનામુ આપ્યું છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે વિરલ આચાર્યએ જણાવ્યું છે કે તેઓ હવે વધુ સમય સુધી આરબીઆઇના ડે. ગવર્નર પદે કામ કરી શકે તેમ નથી માટે પદ છોડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *